Viniyog Parivar Trust Is An NGO Working Under The ‘‘Jain Sangh”
Donation Exempted Under S. 80 (G) Of Income Tax Act. Registered Under Foreign Contribution (Regulation) Act.

મીટ હાઈજેનિક નથી

સમગ્ર બ્રિટિશ સત્તાતંત્રની અને તેના ઉત્તરાધિકારી ભારતના સત્તાતંત્રની રચના જૂઠ, દગો, પ્રપંચ, કપટ, વિશ્વાસઘાત આદિ દૂષણોનો આધાર લઈને કરવામાં આવી છે. ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ભારત પ્રવેશથી માંડીને આજ સુધીનો ઇતિહાસ તપાસવામાં આવે તો આખો ઇતિહાસ ઠેર ઠેર આવાં દૂષણોથી ખદબદતો જોવા મળશે. ધર્મ આધારિત આર્ય જીવનવ્યવસ્થા અને તેના એક એક અંગનો નાશ કરવા માટે તેમણે પ્રથમ પગલાં તરીકે ચારેબાજુ જૂઠાણાંનો ધોમ પ્રચાર કર્યો છે. અહીં માત્ર એક દૃષ્ટાંત આપ્યું છે.

ભારતમાં વિશાળ પાયા ઉપરના યાંત્રિક કતલખાનાંઓ ઊભા કરવા માટે તેમણે નીચે મુજબ બે જૂઠાણાં પ્રજાના મનમાં ઠસાવવા માટે ઠેરઠેર પ્રચાર કર્યો છે.

1. ભારત પાસે વિશાળ પશુધન છે.
2.
મીટ હાઈજેનિક છે, એટલે કે સ્વાસ્થ્યપ્રદ છે.

સરકારી અહેવાલો, પંચવર્ષીય યોજનાઓના થોથાંઓ, છાપાંઓના લેખો આદિમાં આ બે જૂઠાણાંઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
``ભારત પાસે વિશાળ પશુધન છે'' એ પ્રચારનો હવે ફુગ્ગો ફૂટી ગયો છે.

તેવી જ રીતે `મીટ હાઈજેનિક છે' એ પ્રચારનો પણ ફુગ્ગો ફૂટતો જાય છે. પરદેશના/દેશના ડૉક્ટરો-વૈજ્ઞાનિકો એવો અભિપ્રાય આપતા થયા છે કે માંસભક્ષણથી અનેક પ્રકારના જીવલેણ રોગો થાય છે, અને નાની ઉંમરમાં મૃત્યુ થાય છે. નાની ઉંમરના લોકોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જાય છે. તેમાં મોટો ભાગ માંસ ખાનારાઓનો છે. માંસ એ ભારોભાર બેકટેરિયાથી ભરેલો પદાર્થ છે એ વાત ઘડીભર બાજુએ રાખીએ તો પણ માંસ એ `તામસિક' પદાર્થ છે એ વાત સ્વીકારવી જ પડે છે. આવો તામસિક આહાર માનવ મનને સદા ઉશ્કેરાટમાં રાખે છે, જે વહેલી ઉમ્મરે B.P. જેવા છુપા રોગોને નોતરે છે, અને તે હાર્ટ એટેકમાં પરિણમે છે. સાત્ત્વિક આહાર અને તામસિક આહાર લેનારની બુધ્ધિમાં પણ ફરક હોય છે. તામસિક આહાર બુધ્ધિ બગાડે છે, બુધ્ધિ વિકૃત કરે છે.
ગીતાના અધ્યાય 18 ના શ્લોક 32 માં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે,

``હે પાર્થ! અજ્ઞાનથી ઢંકાયેલી જે બુધ્ધિ અધર્મને ધર્મ માને છે, અને એ ન્યાયે બધા પદાર્થોને વિપરીત દૃષ્ટિથી જુએ છે, તે તામસી બુધ્ધિ છે.'' (મિથ્યાત્વનું એક કારણ તામસી બુધ્ધિ હશે? માટે તામસી પદાર્થોને - જેવા કે લસણ/કાંદા વિ.ને અભક્ષ્ય ગણ્યા હશે?)

આમ સરકારી પ્રચારના ફુગ્ગા ફૂટવા છતાં સરકારને તો કોઈ પણ હિસાબે પશુઓનો નાશ કરવો જ છે. The govt is bent on destroying the cattle wealth of this nation. એટલે પ્રચારની નવી દલીલો શોધી કાઢે છે અને વહેતી મૂકે છે.

સરકારી તંત્રોના ભરચક પ્રચારથી ભલે હજારો લોકો માંસ ખાવા તરફ વળ્યા હોય, તો પણ જેમ "smoking is injurious to health' એવી ચેતવણીઓ સીગરેટ પીનારાઓને અપાય છે, તેમ ``મીટ હાઈજેનિક નથી, ઘાતક રોગો ફેલાવનારો પદાર્થ છે'' એવી ચેતવણી આપવા માટે ભાજપની સરકાર તૈયાર થશે? કતલખાનાં બંધ ન કરાવી શકાય, પણ to begin with, ભાજપ શાસિત રાજ્યોમાં આવી ચેતવણીના સૂર પ્રચાર માધ્યમો દ્વારા વહેતા મૂકી શકાશે? શ્રી અડવાણીજી જેવા નેતાઓ આ વાતનો સ્વીકાર કરી તેનો અમલ કરાવી શકશે?

શાકાહારના પ્રચારને બદલે માંસભક્ષણની વિરુદ્ધ પ્રચાર થવો જોઈએ. આ મુદ્દામાં અવિધિનો નિષેધ કરવો જોઈએ, વિધિનું કથન ન થાય. અવિધિના નિષેધ વિના વિધિનું કથન અવિધિને આગળ વધવાનો માર્ગ મોકળો કરી આપે છે.

`શાકાહાર'ના પ્રચારે બે ખોટાં કામ કર્યાં છે.

(1) અન્નાહારનો વિરોધ કર્યો છે.
(2)
માંસાહારની ગાડીને પૂરપાટ દોડાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો છે.

દરેક બાબતમાં ``POSITIVE'' ની થીયરી ઉપયોગી નથી બનતી. જો એમ જ હોત તો અવિધિના નિષેધને પણ પ્રવચનની-શાસનની ભક્તિ રૂપે ન ગણાવ્યો હોત.
अविधिनिषेधश्चेति प्रवचन भक्ति प्रसिध्धा न।

પ્રજાને ઊઠાં ભણાવવામાં કુશળ એવા સરકારી તંત્રોને કતલખાનાં સાથે જોડાયેલા મુઠ્ઠીભર માંસના વેપારીઓના હિતો જાળવવામાં રસ છે. પરંતુ સમગ્ર પ્રજાના, જેમાં માંસ ખાનારા વર્ગનો પણ સમાવેશ થાય છે, તથા પ્રજાના મહત્ત્વના વર્ગો જેવા કે ખેડૂતો, પશુપાલકો, ગ્રામ્ય કારીગરોના હિતો જાળવવામાં રસ નથી. એક બાજુ એક નાનકડો વર્ગ છે, બીજી બાજુ એક વિશાળ વર્ગ છે. આમ તો સરકારી તંત્રો અને કોર્ટો પણ અવારનવાર એવી દલીલો આગળ કરતા હોય છે કે, `In the interest of larger sections of the Society'; તો માંસના વેપારીઓના હિતો જાળવવામાં આ સિધ્ધાંત કેમ પલટાય છે?

સરકારી તંત્રો અને કતલખાનાં સાથે જોડાયેલા માંસના વેપારીઓનું વૈદ્ય ગાંધીનું સહિયારું છે. બન્ને ભેગા થઈ કુશળ સેલ્સમેનની જેમ માંસને `હાઈજેનિક' ગણાવી ઘરાકોને એટલે કે કેટલાક પ્રજાજનોને માંસ ખાવા તરફ આકર્ષે છે, લલચાવે છે અને તેવા નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલતા જીવલેણ રોગોથી ગ્રસિત બનાવે છે.

સરકારી તંત્રો માંસના વેપારીઓને પણ મૂર્ખ બનાવે છે. તેમને માંસના વેપારમાંથી ધન રળવાની સગવડો આપી દેશના પશુધન આદિનો નાશ કરવા માટે તેમને હાથા બનાવે છે. જેમ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને અમાપ ધન રળવાની સગવડો આપી દેશના લાખો ગ્રામ્ય કારીગરોના ધંધાઓ આંચકી લેવામાં આવે છે, તેમ અહીં સમજવાનું છે. પરંતુ ધન રળવાની લાલચમાં માંસના વેપારીઓ એ સમજી શકતા નથી કે દેશના પશુધનના વિનાશની આગ તેમને પણ સ્પર્શે છે. તેમને પણ વાસી દૂધ 30-32 રા.ના ભાવે ખરીદવું પડે છે. તેમને પણ શુધ્ધ ઘીની સુગંધ પણ નસીબ નથી થતી. તેમને પણ મોંઘા ભાવે અનાજ ખરીદવું પડે છે. અર્થાત્ માંસના વેપારથી તેઓ જે ધન રળે છે, તે બીજા માર્ગે ખેંચાઈ જાય છે.

ભારતના પશુધનનો ઝડપથી નાશ કરવાનો આદર્શ સફળ કરવા માટે યુનોની ફાઓ સંસ્થા ભારત સરકારનો અને તેના અમલદારોનો ઉપયોગ કરે છે, સરકારી તંત્રો મુઠ્ઠીભર માંસના વેપારીઓને હાથો બનાવે છે, માંસના વેપારીઓ પ્રજાના કેટલાક ભાગને આગળ કરીને પશુધનનો નાશ કરે છે. આમ સાંકળના અંકોડા ગોઠવાયા છે. ભારતની કોર્ટો પણ આ બાબતમાં સાંકળના છેવટ સુધીના અંકોડાને ઓળખી શકતી નથી, કતલખાનાના છેડા ક્યાં સુધી અડે છે, અને શા માટે અડે છે તેના કારણોના ઊંડાણ સુધી પહોંચી શકતી નથી. તેથી `બિચારા માંસ ખાનારાઓનું શું થશે?' અથવા `માંસના વેપારીઓનું શું થશે?' એટલા અંકોડા સુધી પહોંચી કતલખાના ચાલુ રાખવાના તરફેણમાં ચુકાદા અપાતા હોય છે. તેમાં ન્યાયનું તત્ત્વ ઘણું ઓછું હોય છે, બંધારણ આધારિત કલમોનો આધાર વધુ હોય છે. અને ભારતનું બંધારણ બ્રિટિશ અમલદારોએ ઘડયું છે, તેથી તેમાં ન્યાયના બદલે આ દેશની પ્રજાના અને તેની સંસ્કૃતિના નાશના તત્ત્વો વધુ ગુંથાયેલા હોય છે.

માંસ ખાનારા લોકોને માંસ પૂરું પાડવા માટે કતલખાના શરૂ કરવામાં નથી આવ્યા, પરંતુ તે શરૂ કરવા પાછળના ગર્ભિત હેતુઓ જુદા જ છે એમ સજ્જનો સમજી શકશે. દેખીતું કારણ જુદું છે, ભીતરનાં કારણો જુદાં છે. જે મ્યુનિ. પ્રજાને શુધ્ધ પાણી પૂરું પાડી નથી શકતી, તે પ્રજાને હાઈજેનિક મીટ પૂરું પાડશે? `હાઈજેનિક મીટ'નો પ્રચાર તે ખાનારની આંખમાં ધૂળ નાખવા માટે છે.

- અરવિંદભાઈ પારેખ (બોરીવલી), તા.18-6-08